કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટના બની છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો મૃતદેહ રૂમમાંથી મળ્યો હતો. એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા તબીબી છાત્રએ આપઘાત કર્યો છે. મૂળ રાજકોટના મૌલિક પીઠવાએ દર્દીને બેભાન કરવા માટે વપરાતા ઇન્જેક્શન ખાઈને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પોલીસ અને મેડીકલ કોલેજના સતાવાળાઓ રૂમ પર પહોચી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
મૌલિક પીઠવા મૂળ રાજકોટનો રહેવાસી
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરની ખ્યાતનામ એમ પી શાહ મેડીકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટના આપઘાતના બનાવથી સનસનાટી મચી ગઈ છે.
મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થી તબીબે આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. મૌલિક પીઠવા મૂળ રાજકોટનો રહેવાસી છે, જે જામનગરમાં તબીબી અભ્યાસ કરતો હતો.
આત્મહત્યાનું કારણ અકબંધ
મૌલિકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ તેની આત્મહત્યાથી તેની સાથે રહેતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. આ બનાવ અંગે પોલીસ અને હોસ્પિટલ તેમજ કોલેજ સ્ટાફે પહોચી પોલીસને જાણ કરી હતી. જો કે બનાવ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. મૌલિક કોઈ સ્યૂસાઈડ નોટ છોડીને ગયો છે કે નહિ તેની તપાસ હાથ ધરાઈ છે.