હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને હાલ તેમને હોસ્પિટલમાં મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી જ તેમના બીમાર હોવાની જાણકારી આપવામાં આવી હતી.
દિલીપ કુમાર ગત મહિને પણ હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમની પત્ની સાયરા બાનોના કહેવા પ્રમાણે તેઓ રૂટિન ચેકઅપ માટે ભરતી થયા હતા. સ્વાસ્થ્યલક્ષી કારણોના કારણે સમયાંતરે દિલીપ કુમારનું રૂટિન ચેકઅપ થતું રહે છે. તેના થોડા દિવસો બાદ તમામ રિપોર્ટ્સ ઠીક આવ્યા બાદ અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમાર 98 વર્ષના છે. કોરોનાના કારણે તેઓ સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા છે. કોરોનાના કારણે તેમણે પોતાનો જન્મ દિવસ પણ નહોતો ઉજવ્યો. 2020ના વર્ષમાં તેમણે પોતાના 2 ભાઈઓ 88 વર્ષીય અસલમ ખાન અને 90 વર્ષીય અહસાન ખાનને કોરોનાના કારણે ગુમાવ્યા હતા. દિલીપ કુમાર માર્ચ 2020થી જ પત્ની સાયરા બાનો સાથે ક્વોરેન્ટાઈન છે.
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ પાકિસ્તાન ખાતે થયો હતો. તેમનું સાચુ નામ યુસુફ ખાન છે. જોકે ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ દિલીપ કુમાર રાખી દીધું હતું અને આ નામથી જ તેમને પ્રસિદ્ધિ પણ મળી. તેમણે ફિલ્મ જ્વાર ભાટા દ્વારા ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તેઓ મુગલ-એ-આઝમ, નયા દૌર, કોહિનૂર, રામ ઔર શ્યામ વગેરે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. કિલા તેમની પડદા પરની અંતિમ ફિલ્મ હતી.