કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજીનામાં પાછળ કોનો ગેમ પ્લાન કરી ગયો કામ
Mon. Jan 6th, 2025

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજીનામાં પાછળ કોનો ગેમ પ્લાન કરી ગયો કામ

રાષ્ટ્રીય રાજનીતિમાં હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પાના રાજીનામાનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે. જનતા, વિપક્ષ અને ભાજપમાં પણ યેદીયુરપ્પાનું રાજીનામું શા માટે એ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે. વિપક્ષે યેદીયુરપ્પાના રાજીનામા મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાની તક ગુમાવી ન હતી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા સિદ્વારમૈયાએ પણ ટ્વીટ કરી ભાજપની ભ્રષ્ટ સરકાર રાજ્યમાં અવૈધ સત્તામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તો કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ યેદીયુરપ્પાના રાજીનામાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યેદીયુરપ્પા પીએમ મોદીની સિનિયર નેતાઓને અપમાનિત કરવાની આદતનો એક ભાગ છે.

બી.એસ. યેદીયુરપ્પાની હાલની ઉંમર 78 વર્ષ છે જેને લઈ ભાજપના નિયમ મુજબ 75 વર્ષ કરતા વધુ ઉંમરના નેતાઓને પદ પરથી રાજીનામું આપવું જોઇએ. પરંતુ મોદી સરકારની બીજી ટર્મ બાદ આ નિયમ ક્યાં અમલમાં રહ્યો નથી. એટલે યેદીયુરપ્પાના રાજીનામામાં ઉંમરના નિયમનો કોઈ બાધ નડ્યો નથી.

બીજી જે વાત ચર્ચામાં છે તે કર્ણાટક સરકારના ભ્રષ્ટાચાર અને તેમાં યેદીયુરપ્પાના નામ પર થયેલા આક્ષેપ. અહી એક મહત્વની વાત એ છે કે, ભ્રષ્ટાચારના આક્ષેપોમાં યેદીયુરપ્પા અગાઉ પણ રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ફરીથી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા એટલે આ કારણ પણ કદાચ યેદીયુરપ્પાના રાજીનામા પાછળ કારણભૂત ગણી શકાય નહી.

તો પછી પ્રશ્ન એ થાય કે, યેદીયુરપ્પાએ રાજીનામું આપ્યું કેમ? નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને અમિત શાહ કેન્દ્રીય રાજનીતિમાં સક્રિય થયા બાદ કેટલાક સિનિયર નેતાઓને ઉંમરના બાદ્યને કારણે મોવડીમંડળમાં મોકલવામાં આવ્યા જેના કારણે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના દબદબામાં વધારો થયો.

સિનિયોરિટીના હિસાબે જે નેતાઓ નડતા હતા તેમને નિયમોમાં બાંધીને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા. ત્યારબાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે સૌથી મોટો પડકાર હતા સ્થાનિક કક્ષાએ મજબૂત નેતાઓ. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જે રાજ્યોમાં ભાજપની જીત થઈ તે રાજ્યોમાં પોતાની પસંદગીના મુખ્યમંત્રીઓ બનાવ્યા.

ભાજપમાં હવે 2024ની માટેની તૈયારીઓ થઈ રહી છે. નરેન્દ્ર મોદી બાદ કોણ એ મુદ્દે પણ ચર્ચા ઉઠવા લાગી. જે મજબૂત નેતાઓના નામ સામે આવ્યા તેમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે હતા ત્યારબાદ જો કોઈ મજબૂત નેતા હોય તો તે હતા યેદિયુરપ્પા.

ભાજપમાં મોદી-શાહ યુગમાં કદ્દાવર નેતાઓને કાપવા માટેની કામગીરી જગજાહેર છે. યોગી આદિત્યનાથને પણ મુખ્યમંત્રી પદેથી હટાવવા માટેના પ્રયાસ થયા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. યેદીયુરપ્પા બીજા એવા મુખ્યમંત્રી હતા જે સત્તાની દ્રષ્ટિ ઘણા મજબૂત અને કદ્દાવર બન્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપે જ યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી સ્થાનિક નેતાઓ દ્વારા જ હાઇકમાન્ડમાં ફરિયાદ કરાવી હતી. જેથી ભ્રષ્ટાચારના મુદ્દે યેદિયુરપ્પા પર દબાણ કરી તેમને મુખ્યમંત્રીની ખુરશી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું.

યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારનો મુદ્દો અગાઉ બે વખત ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ કર્ણાટકમાં યેદિયુરપ્પાનું પ્રભૂત્વ સામે મોદી-શાહ નમતુ જોખવું પડ્યું હતું. ત્યારથી યેદિયુરપ્પાને હટાવવા માટે બીજા મુદ્દાઓની જાળ ગુંથવામાં આવી રહી હતી. અંતે યેદિયુરપ્પા કેટલીક શરતોને આધિન મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે તૈયાર થયા અને મોદી-શાહની જોડીને સફળતા મળી છે.

Related Post

Verified by MonsterInsights