Fri. Dec 27th, 2024

વીજળી પડતા આસામમાં એક સાથે 18 હાથીઓનાં મોત

આસામમાં વિજળી પડવાને કારણે 18 હાથીઓના મોત નિપજ્યા હતા. આસામના નાગાઓન જિલ્લામાં કુંદોલીમાં બુધવારે રાત્રે વિજળી પડી હતી, અહીંના જંગલોમાં આ વિજળી પડવાથી ત્યાં વસતા પૈકી 18 હાથીઓના મોત નિપજ્યા હતા.જે સૃથળે વિજળી પડી તે અતી અંતરિયાળ વિસ્તારમાં હોવાને કારણે રેસ્ક્યૂ ટીમને પહોંચવામાં એક દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના હાર્દોઇમાં વાવાઝોડાને કારણે એક 10 વર્ષની બાળકી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં વિજળી પડવાની આ ઘટનામાં જે લોકો માર્યા ગયા છે તેમાં એક બાળકી જ્યારે અન્ય ચારની વય 25થી 30 વર્ષની આસપાસ છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સંજયસિંહે કહ્યું હતું કે અહીં વાવાઝોડાને કારણે એક મકાનની દિવાલ પડી જવાથી ચાર લોકો માર્યા ગયા હતા,આ ઘટના હર્દોઇમાં બની હતી. જ્યારે અહી જ એક સૃથળે એક ઇમારત પડવાથી એક બાળકીનું મોત નિપજ્યું હતું. નિયમો પ્રમાણે માર્યા ગયેલાઓને વળતર આપવામાં આવશે.

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસૃથાનમાં 24 કલાકમાં સામાન્યથી જરમર વરસાદ નોંધાયો હતો.અહીંના જૈસલમેરના પોખરણમાં 35 એમએમ વરસાદ નોંધાયો હતો જ્યારે અલવરમાં પણ 16 એમએમ વરસાદ પડયો હતો. બીજી તરફ હવામાન વિભાગે ગોવા અને દક્ષિણ કોંકણમાં વાવાઝોડાની આગાહી કરી છે. જ્યારે છેલ્લા બે ત્રણ દિવસમાં હવામાનમાં અચાનક પલટો આવતા હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

દિલ્હીમાં ગરમીનો કેર હતો, જોકે વરસાદને કારણે તેમાં મોટી રાહત મળી છે. હરિયાણાના હાંસી અને સિવાની તેમજ કુરૂક્ષેત્રમાં વિજળી પડી હતી. જેને પગલે અહી સામાન્ય નુકસાન થયું હતું પણ કોઇ જાનહાનીના અહેવાલો નથી. હિમાચલ પ્રદેશમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો છે તેવી જ રીતે ઝારખંડમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Related Post

Verified by MonsterInsights