ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડમાં મળેલી હેલી સમિટમાં નવી હેલિકોપ્ટર નીતિ જાહેર કરી છે. આ નવી પોલિસીમાં ભારતના 10 શહેરોમાં 82 રૂટ પર હેલિકોપ્ટર કોરીડોર વિકસિત કરવાનું આયોજન રજૂ કરાયું છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ- ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત થઈ છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે, દેશમાં ત્રણ એક્સપ્રેસ વે ઉપર હેલિપોર્ટ્સ ડેવલપ કરાશે. જેમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ-વે, અંબાલા- કોટપુલી અને અંબાલા- ભટિંડા- જામનગર એક્સપ્રેસ-વેનો સમાવાશે થાય છે. આ ત્રણેય એક્સપ્રેસ-વે ઉપર તૈયાર થનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તેમજ અકસ્માત સમયે પીડિતોને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવા માટે થશે.
હેલિકોપ્ટર સેવાની શરૂઆત દેશમાં 10 શહેરોથી થશે. જેમાં મુંબંઈના જુહૂ-પૂના- જુહૂ, મહાલક્ષ્મી- રેસ કોર્સ- પૂના, ગાંધીનગર- અમદાવાદ- ગાંધીનગર રૂટનો સમાવેશ થાય છે. જો કે, કેટલા સમયમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે તેની વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ઝડપથી સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રાલય એક હેલિકોપ્ટર એક્સેલરેશન સેલ સ્થાપશે તેમ જણાવાયું છે.આ વર્ષે કોવિડ-19ની બીજી લહેર વખતે એપ્રિલ-મે મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની અત્યંત આવશ્યકતા ઉભી થઈ હતી. એવામાં રાજકોટમાંથી 15 દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય રાજ્યોમાં શિફ્ટ કરાયા હતા. જેમાંથી દિલ્હી અને ચેન્નઈ પહોંચવા દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની તોતિંગ ફી વસૂલવામાં આવી હતી.