દેશમાં પહેલી વખત પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તીમાં વધારો થયો છે. હવે પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,020 નોંધાઈ છે. આઝાદી બાદ પહેલી વખત પુરૂષોની સરખામણીએ મહિલાઓની વસ્તી 1,000ને પાર કરી ગઈ છે. આ આંકડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં સામે આવ્યો છે. અગાઉ 2015-16ના વર્ષમાં થયેલા NFHS-4માં આ આંકડો પ્રત્યેક 1,000 પુરૂષોએ 991 મહિલાઓનો હતો.
એટલું જ નહીં, જન્મ સમયના સેક્સ રેશિયોમાં પણ સુધારો થયો છે. 2015-16ના વર્ષમાં પ્રત્યેક 1,000 બાળકોએ બાળકીઓની સંખ્યા 919 હતી જે 2021માં સુધરીને પ્રત્યેક 1,000 બાળકોએ 929 બાળકીઓની થઈ ગઈ છે.
NFHS-5ના અહેવાલ પ્રમાણે સેક્સ રેશિયોમાં સુધારો શહેરોની સરખામણીએ ગામોમાં વધારે જોવા મળી રહ્યો છે. ગામોમાં પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,037 છે જ્યારે શહેરોમાં 985 મહિલાઓ છે. NFHS-4માં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. તે સર્વે પ્રમાણે ગામોમાં પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની સંખ્યા 1,009 હતી અને શહેરોમાં તે આંકડો 956 હતો.
આઝાદી બાદ બગડી રહ્યો હતો સેક્સ રેશિયો
1901ના વર્ષમાં સેક્સ રેશિયો પ્રત્યેક એક હજાર પુરૂષોએ 972 મહિલાઓનો હતો. પરંતુ આઝાદી બાદ તે સંખ્યા ઘટવા લાગી હતી. 1951માં આ આંકડો ઘટીને એક હજાર પુરૂષોએ 946 મહિલાઓનો થઈ ગયો હતો. 1971ના વર્ષમાં તે વધુ ઘટીને 930એ પહોંચી ગયો હતો. 2011ની જનગણના પ્રમાણે તે આંકડો થોડો સુધર્યો અને પ્રત્યેક 1,000 પુરૂષોએ મહિલાઓની વસ્તી 940 થઈ ગઈ.
પ્રજનન દરમાં પણ ઘટાડો
NFHS-5 સર્વે પ્રમાણે દેશમાં પ્રજનન દરમાં પણ ઘટાડો આવ્યો છે. પ્રજનન દર એ વસ્તીનો વૃદ્ધિ દર દર્શાવે છે. સર્વે પ્રમાણે દેશમાં પ્રજનન દર 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો.