ચિપકો આંદોલન ના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્ધ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે. તેઓએ ઋષિકેશ સ્થિત એઇમ્સ માં અંતિમ શ્વાસ લીધા. કોરોના વાયરસ સહિત અન્ય બીમારીઓથી ગ્રસ્ત હોવાના કારણે તેમને 8 મેના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની ઝપટમાં પદ્મ વિભૂષણથી સન્માનિત સુંદરલાલ બહુગુણા પણ આવી ગયા હતા. નોંધનીય છે કે તેઓને દાખલ થતાં પહેલા તેમને તાવની ફરિયાદ રહેતી હતી. દહેરાદૂનની એક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરલાલ બહુગુણાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરીને તેઓએ કહ્યું કે, સુંદરલાલ બહુગુણાનું નિધન આપણા દેશ માટે એક મોટી ક્ષતિ છે. તેઓએ પ્રકૃતિની સાથે સદ્ભાવમાં રહેવાના આપણા સદીઓ જૂના લોકાચારને પ્રકટ કર્યા. તેમની સાદગી અને કરૂણાની ભાવનાને ક્યારેય ભૂલાશે નહીં. મારા વિચાર તેમના પરિવાર અને અનેક પ્રશંસકોની સાથે છે.
ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી રાવતે કહ્યું કે પહાડોમાં જળ, જંગલ અને જમીનના મુદ્દાઓને પોતાની પ્રાથમિકતામાં રાખનારા અને જનતાને તેમના હક અપાવવામાં શ્રી બહુગુણાજીના પ્રયાસોને હંમેશા યાદ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ટ્વીટ કર્યું કે, ચિપકો આંદોલનના પ્રણેતા, વિશ્વમાં વૃક્ષમિત્રના નામથી પ્રસિદ્ધ મહાન પર્યાવરણવિદ પદ્મ વિભૂષણથી સન્માનિત સુંદરલાલ બહુગુણાજીના નિધનના અત્યંત પીડાદાયક સમાચાર મળ્યા છે. આ સમાચાર સાંભળીને મન ખૂબ વ્યથિત છે. તેઓ માત્ર ઉત્તરાખંડ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે અપૂરણીય ક્ષતિ છે. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં આપવામાં આવેલા મહત્ત્વપૂર્ણ યોગદાન માટે તેમને વર્ષ 1986માં જમનાલાલ બજાજ પુરસ્કાર અને 2009માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં શ્રી સુંદરલાલ બહુગુણાજીના કાર્યોને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.