સુરત : અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના નામે રેસ્ટોરન્ટ ચલાવતા કેયુર પટેલનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ગુરૂવારે મિત્રોને મળવા માટે ગયા હતા.
ઝાંપાબજારમાં જાણીતા આદર્શ ચા સેન્ટરના માલિક, જે વર્ષોથી ચાલતા હતા, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે એક પાનની દુકાન પાસે ઇલેક્ટ્રિક થાંભલામાંથી કરંટ લગતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં યુવાન વેપારી બેભાન થઇ જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે વધુ સારવાર લેતા પહેલા તેનું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર શશીકાંત પટેલ શહેરના ઝાંપા બજાર ખાતે આદર્શ ચા સેન્ટરના નામે દુકાન ચલાવતો હતો. આદર્શ ચાના સ્વાદને લીધે કેયુરભાઈ શહેરમાં ચા રસિયાઓમાં ખાસ્સા એવા પ્રખ્યાત હતા.
દુકાનના સંચાલક કેયુરભાઈ ગુરુવારે સાંજે દુકાનેથી ઘરે પરત ફર્યા હતા અને અડાજણમાં ગંગેશ્વર મહાદેવ પાસેના ખાંટવાલા પાન સેન્ટરમાં મિત્રોને મળવા અને રાત્રે પાન ખાવા ગયા હતા. જયાં ઇલેકટ્રીક થાંભલાને કેયુરનો અચાનક હાથ અડી જતાં ભેજ વાળા વાતાવરણને લીધે વીજ કરંટ લાગ્યો હતો.જેના પગલે તે રસ્તા પર પડ્યો અને બેભાન થઈ ગયો.
આ ઘટના અંગે તેના પિતરાઇ ભાઇ કમલને જાણ કર્યા બાદ તેઓએ તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં વધુ સારવાર મળે એ પહેલા જ કેયુરભાઈનું મોત નિપજયું હતું. કેરૂભાઈને બે બાળકો છે. આ બનાવને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કેયુરભાઇની માતા અમેરિકાની હોવાથી અંતિમ સંસ્કાર તેમના આવ્યા પછી કરવામાં આવશે તેમ કેયુરભાઈના પરિવારે જણાવ્યું હતું.