Wed. Jan 15th, 2025

રાજસ્થાનમાં 10થી 24 મે સુધી ‘લોકડાઉન’સાથે સાથે લગ્નો પર રોક, ધાર્મિક સ્થળો પણ રહેશે બંધ

રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે ગુરૂવારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. અશોક ગેહલોત સરકારે કરેલી જાહેરાત પ્રમાણે રાજસ્થાનમાં 10 મે સવારે 5:00 વાગ્યાથી 24 મે સવારે 5:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. એટલું જ નહીં, રાજ્યમાં 31મી મે સુધી લગ્ન સમારંભો પર પણ પ્રતિબંધ રહેશે.

લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાં લગ્નો પર પ્રતિબંધની સાથે જ ઈમરજન્સી સેવાઓને છોડીને અન્ય તમામ ગતિવિધિઓ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટની બેઠક બાદ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી.

લોકડાઉનના નિયમો અંતર્ગત રાજ્યમાં 31મી મે સુધી વિવાહ સંબંધી કોઈ પણ જાતના સમારંભ, ડીજે, જાન અને વિદાય તથા પ્રીતિભોજની મંજૂરી નહીં મળે. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે જેમાં ફક્ત 11 લોકો જ સામેલ થશે અને તેની સૂચના ગવર્મેન્ટ પોર્ટલ પર આપવાની રહેશે.

લગ્નોમાં બેંડવાજા, રસોયા, ટેન્ટ કે આ પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિને સામેલ થવાની મંજૂરી નહીં મળે. લગ્નો માટેના ટેન્ટ હાઉસ અને રસોયા સાથે સંબંધિત કોઈ પણ પ્રકારના સામાનની હોમ ડિલિવરી પણ નહીં થઈ શકે. લગ્ન સમારંભો માટે મેરેજ ગાર્ડન, મેરેજ હોલ અને હોટેલ પરિસર બંધ રહેશે. લગ્ન સ્થળના માલિકો, ટેન્ટ સાથે સંકળાયેલા વ્યવસાયિકો, કેટરિંગ સંચાલકો અને બેંડવાજાવાળાઓએ આયોજનકર્તાને એડવાન્સ બુકિંગની રકમ પરત કરવી પડશે અથવા ભવિષ્યના આયોજનમાં એડજસ્ટ કરી આપવી પડશે.

તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે

લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક સ્થળો બંધ રહેશે. લોકોને ઘરે રહીને જ પૂજા-અર્ચના, ઈબાદત, પ્રાર્થના વગેરે કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights