પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોક્ટર અગ્રવાલ 62 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
જીવન પરિચય
ડો. કે કે અગ્રવાલ પોતાના વ્યવસાયના કારણે તો દેશભરમાં વિખ્યાત હતા જ પરંતુ તેઓ પોતાની નેકદિલીના કારણે પણ જાણીતા હતા. કોરોના કાળમાં તેમણે હજારો લોકોની મદદ કરી. ગરીબો અને નબળા વર્ગના દર્દીઓની મફતમાં સારવાર કરી. ડોક્ટર અગ્રવાલ હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ હતા. તેમને 2005માં ડો. બીસી રોય પુરસ્કાર અને 2010માં પદ્મશ્રી મળ્યો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં અને નાગપુર યુનિવર્સિટીથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો.
કોરોના સામે જાગૃત કરી રહ્યા હતા પણ પોતે હારી ગયા
ડોક્ટર અગ્રવાલ છેલ્લા એક વર્ષથી કોવિડ મહામારી પર વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરતા હતા અને બીમારીના વિવિધ પહેલુઓ તથા તેના મેનેજમેન્ટ વિશે વાત કરતા હતા. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેમણે સોમવારે રાતે 11.30 વાગે આ મહામારીના કારણે દમ તોડ્યો. તેમને એક અઠવાડિયા પહેલા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.