કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે વેક્સિનની નીતિઓમાં સતત ફેરફાર પણ થઈ રહ્યો છે. આ સંજોગોમાં જો હવે કોઈ વ્યક્તિને કોરોના થાય તો રિકવર થયાના આશરે 9 મહિના બાદ જ તેને વેક્સિન અપાશે. ટૂંક સમયમાં જ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ અંગે નિર્ણય લઈ શકે છે. ગ્રુપે રિકવરીના 9 મહિના બાદ જ વેક્સિન લગાવવાનું સૂચન કર્યું છે.
તાજેતરમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય 6 મહિના બાદનો નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હવે તેને લંબાવીને 9 મહિના કરવામાં આવી શકે છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.
ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઈન્ફેક્શનનો રેટ 4.5 ટકા સુધીનો હતો. આ દરમિયાન 102 દિવસનું અંતર જોવા મળ્યું હતું. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના સંક્રમણ થયાના 6 મહિના સુધી ઈમ્યુનિટી રહે છે માટે એટલો સમય જરૂરી છે તેવું સામે આવ્યું હતું.
કોરોના મહામારી હજુ પણ ચાલુ છે તેવામાં રીઈન્ફેક્શનની સંભાવના પણ છે. આ સંજોગોમાં જો કોઈએ રસીના પહેલા કે બીજા ડોઝ માટે રાહ જોવી પડે તો તે ફાયદાકારક પણ બની શકે છે. ગર્ભવતી મહિલા પાસે ડિલિવરી બાદ વેક્સિન લેવાનો ઓપ્શન છે.