તૌકતે વાવાઝોડાની તારાજી બાદ હવે ‘યાસ’ નામના વાવાઝોડાનું જોખમ સર્જાયું છે. આગમચેતીના ભાગરૂપે અનેક રાજ્યોએ સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે 26 મેના રોજ યાસ વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારેથી પસાર થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ કારણે ઓડિશા સરકારે 30 પૈકીના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્ય સરકારે શુક્રવારે ભારતીય નૌસેના અને ભારતીય તટ રક્ષક દળને સ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાનો આગ્રહ પણ કર્યો હતો.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય હિસ્સા પર એક ઓછા દબાણનું ક્ષેત્ર રચાશે જે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 26 મેના રોજ ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારે અથડાઈ શકે છે.
ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું કે, જો યાસ વાવાઝોડાનો રાજ્ય પર કોઈ પ્રભાવ પડશે તો રાજ્ય સરકારે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે.