વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરે સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને લીધે તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતુ હતુ.
સોમવારે સાંજે સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમની તબિયત લથડતા તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો.
હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તો સોખડા મંદિર ખાતે આવવાના શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.
નોંધનિય છે કે, સ્વામીજીના નિધનથી હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છે.