વડોદરા : શહેરમાં પાણીજાન્ય રોગચાળો વધ્યો છે. શહેરના 3 વોર્ડમાં 52 નમૂનામાં ગટરનું પાણી મળી આવ્યું છે.વડોદરા પાલિકાની હેલ્થ લેબના રિપોર્ટમાં જ પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યાની વિગત સામે આવી છે.
વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 લોકોના મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો દૂષિત પાણીથી તબિયત બગડતા સારવાર લઈ રહ્યાં છે.
આમ છતાં વડોદરા મનપાનું તંત્ર રોગચાળો વકર્યાની સ્થિતિને સ્વીકારતું નથી. જનતાને મળતા દૂષિત પાણી મુદ્દે પાણી-પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરીએ સામ-સામી આક્ષેપબાજી કરી.
નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું એ પાલિકાની જવાબદારી છે, ત્યારે ચોખ્ખા પાણીની લાઈનમાં ગટરના પાણી કેમ ભળ્યાં ? શું ગેરકાયદે જોડાણ થયા છે? દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોની ફરિયાદ બાદ પણ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કેમ ન કરી? ચોમાસામા માંદા પડવાનો ખતરો વધુ હોય છે, ત્યારે પાલિકાએ દૂષિત પાણીની મળેલી ફરિયાદો પર કોઈ ધ્યાન કેમ ન આપ્યું? શું મનપાના જુદા-જુદા વિભાગ અને અધિકારીઓએ એકબીજાને ખો આપતા રોગચાળો વકર્યો છે.