કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં વધુ એક વખત ચિંતાજનક ઉછાળો નોધાયો છે. સતત પાંચ દિવસ સુધી કોરોનાના નવા કેસ 40 હજારથી વધુ રહ્યા બાદ મંગળવારે 31 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા હતા પરંતુ વધુ એક વખત બુધવારે તેમાં ઉછાળો નોંધાયો છે. એક સપ્તાહમાં છઠ્ઠી વખત કોરોના કેસો 40 હજારની સપાટી ઉપર આવ્યા છે. વિતેલા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા 41,965 કેસ નોંધાયા છે જ્યારે વધુ 460 દર્દીના મોત થયા હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. કોરોનાના કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,28,10,845 થઈ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ સક્રિય કેસો વધીને 3,78,181 થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 4,39,020 દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાના સક્રિય કેસો કુલ કેસ લોડના 1.15 ટકા છે. કોરોનાનો રિકવરી રેટ 97.51 ટકા થયો છે. દેશમાં મંગળવારે 16,06,785 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 52,31,84,293 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવીટ રેટ 2.61 ટકા નોંધાયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.58 ટકા થયો છે.
કેરળમાં એક દિવસમાં 115 દર્દીના કોરોનાથી મોત થયા છે. મહારાષ્ટ્રમાં 104 દર્દીના એક દિવસમાં કોરોનાથી મૃત્યુ થયા હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
કોરોના સામે હાલમાં સ્થિતિય નિયંત્રયમાં હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં 50 હજારની મનોવૈજ્ઞાનિક સપાટીથી ઓછા કેસ આવી રહ્યા છે. કોરોના રસીકરણ જ દેશમાં ત્રીજી લહેરને અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. એક અંદાજ મુજબ દેશમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય.
મંગળવારે દેશમાં 1.33 કરોડ કોરોના રસીના ડોઝનો વિક્રમ
કોરોના રસીકરણ અંતર્ગત દેશમાં મંગળવારે 1.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. એક દિવસમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ ડોઝનો વિક્રમ નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 65.41 કરોડ કોરોના રસીના ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે.