Sun. Sep 8th, 2024

પેટ્રોલ-ડિઝલ બાદ CNGના ભાવમાં 10 દિવસમાં 5.19 રૂપિયાનો ઘરખમ વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, બન્નેની કિંમત 100ને પાર જતી રહી છે, આવામાં CNG પર નિર્ભિત વાહનચાલકોને પણ ભારે ફટકો પડી રહ્યો છે. કારણે કે માત્ર 10 દિવસની અંદર જ CNGના ભાવમાં ₹5.19નો તોતિંગ વધારો થયો છે. CNGના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે સૌથી મોટો ફટકો રિક્ષા ચાલકોને પડી રહ્યો છે જેના લીધે ભાડામાં પણ વધારો કરવાની માંગ ઉઠી રહી છે. આ મામલે આગામી દિવસોમાં કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

પેટ્રોલના ભાવમાં વધારો થતા વાહનોમાં મોંઘી CNG કીટ પાછળ ખર્ચો કરનારા લોકોને પણ પસ્તાવાનો વારો આવ્યો છે. CNGના ભાવમાં 2 ઓક્ટોબરના રોજ 2.56 રૂપિયાનો વધારો થતા ભાવ 58.86 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ પછી તેમાં 6 ઓક્ટોબરે 1 રુપિયાનો અને 11 ઓક્ટોબરે 1.63 રૂપિયાનો વધારો થતા CNGની કિંમત 60 રૂપિયાને પાર કરીને 61.49 રૂપિયે પહોંચી ગયા છે. આ માત્ર 10 દિવસના ટૂંકાગાળામાં જ 5.19 રૂપિયાનો જંગી વધારો થઈ ગયો છે.

હવે આ મામલે રિક્ષાચાલક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને મળીને રિક્ષાના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં મિનિમમ ભાડું 15 રુપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ પછી દર કિલોમીટરનું ભાડું રૂપિયા 10થી વધારે 15 રુપિયા કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. જોકે, આ મુદ્દે આગામી સમયમાં વાત કરવા માટે અલગથી મળવાની ખાતરી આપવામાં આવી હતી, જોકે, હવે રિક્ષાચાલક એસો.ની ફરી મુલાકાત ના થતા નારાજગી જોવા મળી રહી છે.

આ સિવાય જો રિક્ષાચાલકોની માગણીને સાંભળવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી, જોકે, હવે ટૂંક સમયમાં સરકારે રિક્ષાચાલક એસોસિએશનને મળીને કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. એટલે કે જો રિક્ષાચાલકોની માગણી પ્રમાણે ઓછામાં ઓછા ભાડામાં વધારો કરાશે કે તે પછી દર કિલોમીટરના ભાડામાં વધારો ઝીંકાશે તો મધ્યમ અને ગરીબ વર્ગની કમર ફરી ભાંગી શકે છે.

Related Post

Verified by MonsterInsights