Fri. Nov 22nd, 2024

દેશના આ રાજ્યોમાં પેટ્રોલ થયું રૂ.120ને પાર, LPG Cylinder ની કૉમર્શિયલ કિંમતમાં એક સાથે 266 રૂપિયાનો વધારો

નવી દિલ્હીમાં આજે LPG Cylinder ની કૉમર્શિયલ કિંમતમાં એક સાથે 266 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ દિલ્હીમાં 19 કિલોગ્રામ કૉમર્શિયલ સિલિન્ડર ની કિંમત 2000.50 રૂપિયા થઈ જશે. આ કિંમત પહેલા 1,734 રૂપિયા હતી. આજે ઘરેલૂ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની નવી કિંમત જાહેર કરતી હોય છે. આ સાથે જ દેશમાં સતત છઠ્ઠી દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel)માં વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત 122 રૂપિયાને પાર થઈ ગઈ છે.

ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. છેલ્લે છઠ્ઠી ઓક્ટોબરના રોજ ભાવ વધ્યો હતો. આ પહેલા પહેલી ઓક્ટોબરના રોજ ફક્ત 19 કિલોગ્રાના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો હતો.

આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીથી વધારો થયો છે. સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.69 રૂપિયા થઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.50 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમત દેશની રાજધાની દિલ્હીમાં 98.42 રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 106.62 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત ચેન્નાઈમાં ક્રમશ: 110.15 રૂપિયા અને 101.56 રૂપિયા તેમજ કોલકાતામાં 106.35 રૂપિયા અને 102.59 રૂપિયા થઈ છે. બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 113.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 104.50 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત 114.12 રૂપિયા અને ડીઝલની કિંમત 107.40 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

દેશના અમુક શહેરમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર થઈ ગઈ છે! મધ્ય પ્રદેશના પન્ના, સતના, રેવા, શહડોલ, છીંદવાડા અને બાલકઘાટમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાના પાર થઈ ગઈ છે. રાજસ્થાનના સરહદી વિસ્તારના બે શહેર શ્રીગંગાનગર અને હનુમાનગઢમાં પણ પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર થઈ ગઈ છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સૌથી મોંઘા ભાવ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત 122.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 113.21 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.

સપ્ટેમ્બર 28 પછી પેટ્રોલની કિંમતમાં 26 વખત વધારો થયો છે, આ દરમિયાન કિંમતમાં લીટરે 8.15 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 24 સપ્ટેમ્બર પછી 29 વખત વધારો થયો છે. આ દરમિયાન કિંમત 9.45 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. આ પહેલા ચોથી મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતમાં 11.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 9.14 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો હતો.

Related Post

Verified by MonsterInsights