ગુજરાતના 20 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા છે. વાઘા સરહદેથી તે ભારતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તેમને ટ્રેન મારફતે ગુજરાતમાં લાવવામાં આવશે. આ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશનના સહયોગથી તમામ માછીમારોને વાઘા સરહદે પહોંચાડવામાં આવશે.
પાકિસ્તાનની જેલમાં સબડતાં 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં પોતાના વતનમાં આવી પહોંચશે. તે સિવાયના 350 કરતાં વધુ માછીમારો હજુય પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે તેમને મુક્ત કરવાની રજૂઆત સરકારે કરી છે.
પાકિસ્તાનના અિધકારીઓએ કહ્યું હતું કે આ માછીમારોએ અરબી સમુદ્રની જળસીમા ઓળંગી લીધી હતી અને પાકિસ્તાનમાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ માછીમારોએ નિયત કરેલી જેલની સજા કાપી હતી. તે સિવાયના 350 કરતાં વધુ માછીમારો હજુય પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમણે પણ સજા ભોગવી લીધી છે અને ઓળખ પણ થઈ ચૂકી છે એટલે તેમને મુક્ત કરવાની રજૂઆત ભારત સરકારે કરી છે.
ઈધી ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે ભારતના લગભગ 600 જેટલાં માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની શક્યતા છે. એમાંથી 350 જેટલા માછીમારોએ નિયત સજા પૂરી કરી લીધી છે અને નાગરિકતાની ખરાઈ પણ થઈ ચૂકી છે એટલે તેમને થોડા સમય બાદ મુક્ત કરાય તેવી શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લાના આ માછીમારો પાકિસ્તાનની લાંધી જેલમાં બંધ હતા. એમાંથી ઘણાં માછીમારોએ તો ત્રણેક વર્ષ પહેલાં જ તેમની સજા પૂરી કરી લીધી હતી, છતાં પાકિસ્તાને નાગરિકતાની ખરાઈના બહાને તેમને જેલમાં બંધ રાખ્યા હતા.
તેમને વાઘા બોર્ડર સુધી પહોંચાડતા પહેલાં કપડાં અને તે સિવાયની ગિફ્ટ્સ આપવામાં આવશે. થોડીક રોકડ રકમ પણ અપાશે એવું ઈધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈઝલ ઈધીએ કહ્યું હતું.
આ સંગઠન વિખ્યાત સમાજસેવક અબ્દુલ સતાર ઈધીના નામે ચાલે છે. તેમને ભારતે પણ ગાંધી પીસ પ્રાઈઝ આપીને સન્માનિત કર્યા હતા. પાકિસ્તાનની જેલમાં સબડતાં 600 જેટલાં માછીમારોને ટૂંક સમયમાં મુક્ત કરાવી લેવાશે એવો આશાવાદ ભારતીય અિધકારીઓએ વ્યક્ત કર્યો હતો.