Mon. Dec 23rd, 2024

મહારાષ્ટ્ર: સતત બીજા દિવસે હિંસા,પથ્થરબાજો પર લાઠીચાર્જ,20 લોકોની ધરપકડ

 

મુંબઇ : ત્રિપુરામાં થયેલી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે બીજા દિવસે રમખાણો ચાલી રહ્યા છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં તંગદીલી વ્યાપી છે. એટલે કે આ જિલ્લાઓ હિંસાની આગમાં લપેટાઇ ગયા છે.

જેમાં અમરાવતી, નાંદેડ, પરભણી, માલેગાંવ, નાશિકનો સમાવેશ છે. અહી મુસ્લિમ સંગઠનોના દેખાવો બાદ હિંદુ સંગઠનોએ શનિવારે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન ટોળાએ વિવિધ સ્થળોએ હંગામો મચાવ્યો હતો. દુકાનોને નુકસાન પહોંચાડયું હતું.

વિરોધ ઉગ્ર બનતો જોઇને પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરવો પડયો હતો, ટીયરગેસ છોડવો પડયો હતો, હિંદુ- મુસ્લિમ સંગઠનો આમને- સામને આવ્યા હતા. અને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો. કરફ્યુ મૂક્યો હતો.

કલમ 144ની જમાવ બંધી લાગુ કરી 20 એફઆઇઆર નોંધાવી અને 20 જણની ધરપકડ કરવામાં આવી છે. ખાસ રમખાણ અમરાવતીમાં વકરતાં વિવિધ સ્થળોએ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ સિવાય ઠેર ઠેર વાહનોને આગ ચાંપીને લાકો રૂપિયાનું નુકસાન કરાયું હતું. લગભગ 18થી વધુ પોલીસો જખ્મી થયા છે.

ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું કે અમરાવતી સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિ છે. અમે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ સમાજમાં તિરાડ પાડનારા સામે કાર્યવાહી કરાશે, જો કોઇ ઉશ્કેરશે તેની સામે કાર્યવાહી કરાશે.

અમરાવતી શહેરના રાજકમલ ચોકમાં નીકળેલા દેખાવકારોના રેલી પર પથ્થરમારો કરીને દુકાનોને નુકસાન કર્યું અને આગ ચાંપી હતી. તેઓને અટકાવવા પોલીસે લાઠીચાર્જ  કર્યો હતો. હિન્દુ- મુસ્લિમ સંગઠન આસમે- સામને આવતા ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. હવામાં ગોળીબાર સુદ્ધા કરવામાં આવ્ યો એમ પોલીસે જણાવ્યું હતું.

પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર 8000થી વધુ લોકોએ મેમોરેન્ડમ સબમિટ કરવા માટે એકઠા થયા હતા. આ આવેદન પત્રમાં લઘુમતી સમાજ પર થતા અત્યાચાર રોકવાની  માગ કરવામાં આવી હતી.

જ્યારે લોકો મેમોરેન્ડમ સોંપીને જતા રહ્યા હતા ત્યારે કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રા ચોક અને કોટન માર્કેટ વચ્ચે ત્રણ જગ્યાએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોતવાલી પોલીસ સ્ટેશને 11 કેસ નોંધ્યા છે અને રમખાણો સહિત વિવિધ આરોપોમાં દસ લોકોની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અમરાવતીમાં કોઇ  અનિચ્છનીય ઘટના ટાળવા માટે વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે.

તોફાનો રોકવા  અમરાવતીમાં ઈન્ટરનેટ બંધ

અમરાવતીમાં તોફાન ભડકાવવામાં સોશિયલ મિડિયા દ્વારા ફેલાવાયેલી અફવાને પગલે આજે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સોશિયલ મિડિયાના માધ્યમથી વાંધાજનક અને ઉશ્કેરણીજનક સંદેશા વહેતા કરનારાઓને સકંજામાં લેવા માટેની ક્વાયત શરૂ કરવામાં આવી છે.

માલેગાંવમાં પોલીસની કુમક માગવામાં આવી

નાશિક જિલ્લાના માલેગાંવમાં મુસ્લિમ સંગઠનોએ ગઇ કાલે બંધનું એલાન કર્યા બાદ પરિસ્થિતિ વણસતા વધુ પોલીસ કુમક મગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં તોફાન પચાવવા બદલ 10 જણની ધરપકડ કરવામાં આવી છે.

બંધ  દરમિયાન જોરદાર પથ્થરમારો કરવામાં આવતા ત્રણ પોલીસ અધિકારી સહિત એકંદર 10 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સચિન પાટીલે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજને આધારે દંગલખોરો અને પથ્થરબાજોને પકડવાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ પરિસ્તિતિ કાબૂમાં લેવા માટે વધુ પોલીસ મદદ મગાવવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights