કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.
વડોદરામાં પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
વડોદરામાં વધુ એક વિધાર્થીને કોરોના થયો હોવાની માહિતી મળતી છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
વડોદરામાં વધુ એક વિદ્યાર્થીને કોરોના થવાના કેસમાં મળતી માહિતી પ્રમાણે શહેરના હરણી વિસ્તારમાં રહેતો 13 વર્ષીય વિધાર્થી આ વિસ્તારમાં જ આવેલી સિગ્નસ સ્કૂલમાં ધોરણ –6માં અભ્યાસ કરે છે. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની તબિયત વધુ લથડતા તેના સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તેની હિસ્ટ્રી ચેક કરતા આ વિસ્તારમાં જ વિદેશથી આવેલા અને ઓમિક્રોનગ્રસ્ત થયેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. આ અંગેની જાણ શાળાને કરાઇ હતી. જેના કારણે આ વિદ્યાર્થીના કલાસનું ઓફલાઇન શિક્ષણ તા.20થી 24 ડિસેમ્બર સુધી બંધ કરાયું છે. જોકે આ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે. આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને પણ કરાઇ છે.