કોર્ટે નિર્દેશ આપ્યો છે કે કોવિડ મહામારીમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર એક પણ પરિવારને વળતરથી વંચિત ન રાખવો જોઈએ અને દાવાની અરજીઓ તકનીકી આધાર પર નકારી ન શકાય. જસ્ટિસ એમ આર શાહ અને સંજીવ ખન્નાની બેન્ચે બિહાર અને આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્ય સરકારોને એવા કેસોમાં પણ વળતર ન આપવા બદલ આકરી ઝાટકણી કાઢી હતી કે જેને રાજ્ય દ્વારા ઘણા મહિનાઓ પહેલા કોવિડ મૃત્યુ તરીકે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા હતા.
ખંડપીઠે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેવા તમામ કેસોમાં તરત જ વળતરની રકમનું વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેને દાવાઓની રાહ જોયા વિના કોવિડ મૃત્યુ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે રાજ્યો પાસે તમામ માહિતી છે, જેમ કે નામ અને સરનામાં, ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આ સત્તાવાર રીતે કોવિડ મૃત્યુ તરીકે જાહેર કરવામાં આવ્યા હોય તેવા પરિવારોને સત્તાવાળાઓએ વિલંબ કર્યા વિના વળતરની રકમનું વિતરણ કરવું જોઈએ અને આ માટે સામે ચાલીને પરિવારોનો સંપર્ક કરે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે એવા રાજ્યો કે જેમાં દાવાની અરજીઓની સંખ્યા સત્તાવાર કોવિડ મૃત્યુઆંક કરતા અનેકગણી હતી જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણા, આ રાજ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવતા બેન્ચે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા અને વળતરની અરજી દાખલ કરી કારણ કે સંબંધિત સરકારોએ આ યોજનાની જાગૃતિને લઈને તેનો વ્યાપક પ્રચાર કર્યો છે.
કોર્ટે આગળ કહ્યું કે “જે રાજ્યોમાં દાવાની અરજીઓની સંખ્યા સત્તાવાર મૃત્યુના આંકડા કરતાં ઓછી છે તે કેવી રીતે હોઈ શકે. જેનો અર્થ સ્પષ્ટ છે કે આ લોકોમાં માહિતીના અભાવને કારણે છે અને રાજ્યોએ માહિતીના પ્રસાર માટે પગલાં લેવા પડશે… રાજ્ય સરકારો પગલાં લઈ રહી નથી અને અમારે તે પરિવારો સુધી પહોંચવા માટે રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા ઓથોરિટિઝની મદદ લેવી પડશે.” રાજ્યો પરિવારોને મદદનો હાથ લંબાવવા માટે આ મુદ્દા સાથે વ્યવહાર કરવામાં સંવેદનશીલતા દર્શાવી રહ્યાં નથી, જેથી ઘણા લોકો મુશ્કેલીમાં છે.
કેટલાક રાજ્યોને મળેલી કોવિડ વળતર દાવાની અરજીઓની સંખ્યા તેમના સત્તાવાર મૃત્યુઆંક કરતાં ઘણી વધારે છે. કેન્દ્ર દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા મુજબ, આસામ, હરિયાણા, કર્ણાટક, પંજાબ અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં સત્તાવાર રીતે જાહેર કરાયેલ કોવિડ મૃત્યુની સંખ્યા કરતાં દાવા માટે કરવામાં આવેલ અરજીઓની સંખ્યા ઓછી છે.