કેન્દ્ર સરકારના જળ સંસાધનમંત્રી પ્રહલાદ પટેલે વસતિ કાયદા ને લઈને એક અગત્યનું નિવેદન આપ્યું છે. તેઓ મોદી સરકારના 8 વર્ષ પૂરાં થવાને કારણે રાયપુર આવ્યા હતા. અહીં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસતિ નિયંત્રણ માટે એક બિલ લાવશે. જ્યારે પત્રકારોએ તેમની પાસેથી આ કાયદા વિશે માહિતી માગી તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું- વસતિ નિયંત્રણ બિલ ટૂંક સમયમાં આવશે, ચિંતા ન કરો.
પ્રહલાદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આવા મોટા અને મજબૂત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે બાકીના નિર્ણયો પણ ટૂંક સમયમાં આવશે. છત્તીસગઢની કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજ્યની નેતાગીરી કેન્દ્રની યોજનાઓને પણ લાગુ કરી શકી નથી. પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જલ જીવન મિશનના લક્ષ્યાંકના માત્ર 23 ટકા જ હાંસલ કરી શકી છે, જ્યારે સમગ્ર દેશમાં સરેરાશ 50 ટકાની નજીક છે.
ઝડપથી વધી રહેલી વસતી ભારત માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ જ કારણ છે કે હવે દેશના ઘણા ભાગોમાં વસતી નિયંત્રણ સંબંધિત કાયદાઓ બનાવવાની માંગ છે. ભાજપના સાંસદોએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું, આ બિલમાં દેશમાં વસતી નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની વાત કરવામાં આવી છે.