રાજસ્થાનના ઉદયપુરમાં કન્હેયાલાલ સાહૂ નામના એક દરજીની હત્યા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને અપરાધીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને લોકોને શાંતિ જાળવી રાખવા વિનંતી કરી હતી.
ઉદયપુર ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે જેમાં SOG એડીજી અશોક રાઠોડ, એટીએસ આઈજી પ્રફુલ્લ કુમાર અને એક એસપી અને એડિશનલ એસપી હશે. પોલીસ અને તંત્ર દ્વારા આ મામલાને નિયંત્રણમાં લેવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ ઉષા શર્માએ મંગળવારે સાંજે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી અને તમામ વિભાગીય કમિશનરો, પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટને સમગ્ર રાજ્યમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
સરકારી નિવેદનોમાં મુખ્ય સચિવે કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની દ્રષ્ટિથી રાજ્યમાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવા તથા બધા જિલ્લાઓમાં આગામી એક મહિના સુધી ધારા 144 લાગુ કરવા અને શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવા અને ઉદયપુર જિલ્લામાં આવશ્યક્તા અનુસાર કર્ફ્યુ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પ્રમાણે બંને આરોપીઓ ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત દરજીની દુકાન પર બપોરના સમયે પહોંચ્યા હતા. આરોપીમાંથી એકે પોતાને ગ્રાહક જણાવ્યો હતો તેથી દરજીએ તેનું માપ લેવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન તેણે દરજી પર હુમલો કર્યો હતો. બીજા આરોપીએ મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વિડિયો પ્રમાણ જ્યારે દરજી માપ લઈ રહ્યો હતો ત્યારે રિયાઝે અચાનક તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને બાદમાં અન્ય એક વીડિયોમાં તેઓએ ગુનો કર્યાની પુષ્ટિ કરી હતી.