Fri. Oct 18th, 2024

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યો 308 રનનો સ્કોર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રવાસની પ્રથમ મેચ રમાઈ રહી છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાઈ રહી છે. મહત્વનું છે કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવન પાસે છે. જોકે, ધવને ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરી હતી. ધવને શાનદાર ઈનીંગ રમીને ભારતને સારી શરુઆત અપાવી હતી. ઓપનીંગમાં ધવન સાથે આવેલ શુભમન ગિલે અને બાદમાં શ્રેયસ અય્યરે અડધી-અડધી સદી નોંધાવી હતી. પાછળની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો ધીમી રમત રમી હતી. ભારતે 50 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 308 રનનો સ્કોર ખડક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેપ્ટન શિખર ધવને જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે શરુઆતથી જ મક્કમ રમત દર્શાવી હતી. તેણે પહેલા ગિલ અને બાદમાં અય્યર સાથે મળીને સારી ઈનીંગ રમી ભારતીય ટીમની રમતને મજબૂત સ્થિતીમાં લાવી દીધી હતી. તેણે 53 બોલમાં પોતાનુ અર્ધ શતક પુરુ કર્યુ હતુ. બાદમાં તેની સદી નોંધાવવાની રાહ જોવાઈ રહી હતી, એ દરમિયાન જ એક કમનસિબ બોલે તે આઉટ થઈને પરત ફર્યો હતો. તે 34 મી ઓવરમાં મોતીના બોલ પર બ્રૂક્સને મુશ્કેલ કેચ આપી બેઠો હતો. તેણે 99 બોલમાં 97 રન નોંધાવ્યા હતા. ધવને 3 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ ઉપરાંત પ્રથમ વિકેટના રુપે શુભમન ગિલે વિકેટ ગુમાવી હતી. તે 18મી ઓવરમાં નિકોલસ પૂરનના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 53 બોલમાં 64 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન ગિલે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસના રુપમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી અને આ સાથે જ ભારતીય સ્કોર બોર્ડ એકદમ ધીમુ પડ્યુ હતુ. શ્રેયસ અય્યર 36મી ઓવરમા આઉટ થયો હતો. તેણે 57 બોલમાં 54 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન અય્યરે 2 છગ્ગા અને 5 ચોગ્ગા જમાવ્યા હતા. બાદમાં અક્ષર પટેલ અને હૂડાએ રમત ઝડપી રમવા પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે અંતમાં 21 બોલમાં 21 રન અને દીપક હૂડાએ 32 બોલમાં 27 રનનુ યોગદાન આપ્યુ હતુ.

 

Related Post

Verified by MonsterInsights