Sun. Sep 8th, 2024

જાણો, ઓમીક્રોન પર શું કહી રહ્યા છે દેશ-દુનિયાના 10 એક્સપર્ટ્સ

twitter.com

ઓમીક્રોન વેરિયન્ટને લઈને વૈજ્ઞાનિક અને ડૉક્ટર હજુ સુધી ઘણા સવાલોના જવાબ શોધી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોનાનો આ નવો વેરિયન્ટ એક મહિના કરતા ઓછાં સમયમાં જ સમગ્ર દુનિયા માટે મુશ્કેલી બની ગયો છે. આ વેરિયન્ટ પર ઘણી સ્ટડી કરવામાં આવી ચુકી છે અને હજુ પણ ચાલુ જ છે. તેમા જાણવા મળ્યું છે કે, આ વેરિયન્ટ સંક્રમણથી બનેલી ઈમ્યૂનિટીને હરાવી શકે છે, આ ઉપરાંત ફુલ્લી વેક્સીનેટેડ લોકો પણ તેની ઝપટમાં આવી શકે છે. તો જાણો આ અંગે દુનિયાના 10 એક્સપર્ટ્સ શું કહે છે…

ICMR: ઓમીક્રોન સંક્રમિતે નહીં જવુ પડશે હોસ્પિટલ

ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રમન ગંગાખેડકરે જણાવ્યું છે કે, નવા વેરિયન્ટ વિશે હાલ વધુ જાણકારી નથી, પરંતુ શરૂઆતી રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, તેનાથી સંક્રમિત થવા પર હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી આવી. તેમણે કહ્યું, હળવા લક્ષણોને અટકાવી ના શકાય, કારણ કે વેરિયન્ટ સતત આવતા રહેશે.

WHO: કેટલો ખતરનાક, કહેવુ મુશ્કેલ

WHOની ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટથી ભારતમાં સૌથી વધુ મોત થઈ હતી. હજુ તેની જાણકારી સામે નથી આવી કે ઓમીક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા કેટલો વધુ ખતરનાક છે અને કેટલી ઝડપથી ફેલાય છે. દક્ષિણ આફ્રિકામાં જે લોકો તેનાથી સંક્રમિત થયા છે, તેમાંથી કેટલાક વેક્સીનેટેડ હતા.

CovidRxExchange: જિનેટિક રૂપ બદલી શકે છે

મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોની સરકારોને કોવિડ સાથે સંકળાયેલી નીતિ બનાવવાની સલાહ આપનારા ડૉ. શશાંક હેડાએ ઓમીક્રોનને ખૂબ જ ખતરનાક ગણાવ્યો છે. ડૉ. હેડા CovidRxExchangeના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેમણે કહ્યું છે કે, ઓમીક્રોનનું જિનેટિક રૂપ બદલાઈ શકે છે. તે કેટલો ખતરનાક છે તે આવનારા સમયમાં જાણવા મળશે.

અમેરિકાઃ સૌથી વધુ ખતરનાક વેરિયન્ટ

અમેરિકાના સંક્રમણ રોગ વિશેષજ્ઞ અને વ્હાઈટ હાઉસના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. એન્થની ફાઉચીએ ઓમીક્રોન વેરિયન્ટથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે. કેલિફોર્નિયામાં ઓમીક્રોનનો પહેલો કેસ મળ્યો હતો. ફાઉચીએ તેના મ્યૂટેશન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઓમીક્રોન, ડેલ્ટા વેરિયન્ટ સહિત અન્ય વેરિયન્ટ કરતા વધુ ખતરનાક હોઈ શકે છે.

યૂરોપઃ ટૂંક સમયમાં જ દુનિયાની દરેક ભીડવાળી જગ્યા પર હશે

યૂરોપિયન એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ઓમીક્રોન સાઉથ આફ્રિકામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ યૂરોપ પણ તેની ચપેટમાં આવી જશે. ત્યારબાદ દુનિયાની દરેક પોપ્યુલેટેડ જગ્યા પર તેના કેસ મળશે, કારણ કે સંક્રમણની સ્પીડના મામલામાં તે ડેલ્ટા કરતા વધુ ઘાતક છે. અત્યારસુધી તે 25 દેશો અને 5 મહાદ્વીપો સુધી પહોંચી ચુક્યો છે. 2 વર્ષ મહામારી સામે લડનારા દેશ, જે રિકવરીની આશા રાખીને બેઠા છે, તે નવી લહેરની ચપેટમાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકાઃ સંક્રમણથી બનેલી ઈમ્યૂનિટીને હરાવવામાં સક્ષમ

દક્ષિણ આફ્રિકી રિસર્ચર્સ અને સાયન્ટિસ્ટે જણાવ્યું નવેમ્બરમાં કોરોનાના કેસોમાં અચાનક તેજી આવી. કેસોની સ્પીડ બીટા અને ડેલ્ટા વેરિયન્ટના ફેલાવા કરતા વધુ હતી. મોટાભાગના કેસ એવા હતા, જે પહેલાથી કોરોના સંક્રમણનો શિકાર થઈ ચુક્યા હતા. આ કેસોમાં ત્રણ ચતૃથાંશમાં નવા વેરિયન્ટ મળ્યા. એટલે કે કોરોના સંક્રમણથી બનેલી ઈમ્યૂનિટીને પણ તે મ્હાત આપી શકે છે.

દિલ્હી AIIMS: વેક્સીનના પ્રભાવને ઓછો કરી શકે છે ઓમીક્રોન

દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ઓમીક્રોનને ઈમ્યૂનિટી પર અસર કરનારો વાયરસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ વેરિયન્ટ વેક્સીનની પ્રભાવશીલતાને ઓછી કરી શકે છે. તેમણે એવુ પણ કહ્યું કે, ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહેલી વેક્સીનનું ફરીવાર મૂલ્યાંકન કરવાની જરૂર છે.

મેદાંતાઃ લોકોએ સાવધાન રહેવુ જોઈએ

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ડૉ. અરવિંદ કુમારે કહ્યું કે, કર્ણાટકમાં ઓમીક્રોનના મામલા મળવાથી વધુ ચિંતિત થવાની જરૂર નથી, પરંતુ હવે લોકોએ સાવધાન થઈ જવુ જોઈએ. માસ્ક પહેરવુ જોઈએ અને પહેલાની જેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ઉપાય અપનાવવા શરૂ કરી દેવા જોઈએ. જેમણે વેક્સીન નથી લીધી, તેમણે તાત્કાલિક બંને ડોઝ લઈ લેવા જોઈએ.

સવાઈ માનસિંહ મેડિકલ કોલેજઃ ત્રીજી લહેર આવી શકે છે

જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડૉ. સુધીર ભંડારીએ કહ્યું કે, આ વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે. આ એટલો ખતરનાક છે કે ડબલ ડોઝ લઈને ઈમ્યૂનિટી ડેવલપ કરી ચુકેલા લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. નવા વેરિયન્ટમાં 30 કરતા વધુ સ્પાઈક્સનું મ્યૂટેશન મળી આવ્યું છે, જે લંગ્સને ખૂબ જ ઝડપથી ડેમેજ કરી શકે છે.

ગંગારામ હોસ્પિટલઃ બીજા વેરિયન્ટની સરખામણીમાં હળવો છે

દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેને જણાવ્યું કે, ઓમીક્રોન વાયરસના ભારત પહોંચવાની આશંકા પહેલાથી જ હતી. જોકે, ભારતમાં લોકોએ શાંત અને સંયમિત રહેવુ જોઈએ, સાથે જ સતર્ક રહેવાની જરૂર છે. પ્રારંભિક રિપોર્ટના આધાર પર આપણે કહી શકીએ કે બીજા વેરિયન્ટની સરખામણીમાં આ ખૂબ જ હળવો વાયરસ છે.

Related Post

Verified by MonsterInsights