Fri. Jan 3rd, 2025

મધ્યપ્રદેશમાં કોરોના મહામારી વચ્ચે 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ ખડે પગે સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ પોતાની પણ અલગ સમસ્યા સામે લડી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3,000 જુનિયર ડોક્ટર્સે ગુરુવારે પોત-પોતાની કોલેજના ડીનને સામુહિક રાજીનામું આપ્યું છે.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને ત્રણ દિવસ પહેલા હડતાલ પર ગયેલા છ સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોકટરોને 24 કલાકની અંદર કામ પર પાછા ફરવા ગુરુવારે આદેશ કર્યો હતો. આ બાદ લગભગ 3,000 જુનિયર તબીબોએ સામુહિક રાજીનામું આપ્યું હતું.

સુપ્રીમમાં પડકાર આપશું- ડોક્ટર

આ ડોકટરોનું કહેવું છે કે રાજ્ય સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડોક્ટર્સના ઇનરોલમેન્ટ રદ કરી દીધા છે, તેથી હવે અમે પરીક્ષામાં કેવી રીતે બેસીશું? PG (પોસ્ટ-ગ્રેજ્યુએશન) ના વિદ્યાર્થીને ત્રણ વર્ષમાં ડીગ્રી મળતી હોય છે. જ્યારે 2 વર્ષમાં ડીપ્લોમાં મળે છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર એક ડોક્ટરનું કહેવું છે કે હાઈકોર્ટના નિર્ણયને અમે સુપ્રીમમાં પડકાર આપીશું.

અહેવાલ અનુસાર ડોક્ટરે કહ્યું કે મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન પણ અમારી સાથે જોડાશે. અહેવાલમાં આ ડોકટરે દાવો કર્યો હતો કે છત્તીસગ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ સહિતના તમામ રાજ્યો એઈમ્સ અને ખાનગી હોસ્પિટલોના જુનિયર ડોકટરો અને સિનિયર ડોકટરો પણ અમારું સમર્થન કરશે.

શું છે તેમની માંગ?

તમને જણાવી દઈએ કે આ મહામારીના સમયમાં મધ્યપ્રદેશની 6 સરકારી મેડિકલ કોલેજના લગભગ 3000 વિદ્યાર્થી પોતાની માંગને લઈને આ સોમવારથી હડતાલ પર છે. જુનિયર ડોક્ટર્સની માંગ છે કે તેમના માનદમાં વધારો કરવામાં આવે તેમજ પરિવારમાં કોઈ વ્યક્તિના કોરોના સંક્રમણના તેમને મફત સારવાર આપવામાં આવે.

ખાનગી સમાચાર અનુસાર એક ડોકટરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે તેમની માંગણીઓ 28 દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ આ મામલે કંઈ થયું નથી.

Related Post

Verified by MonsterInsights