ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન અધિનિયમ, 2021 વિરુદ્ધ ગયા મહિને જમીયત ઉલેમા-એ-હિન્દની ગુજરાત શાખા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર આજે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. અરજી કરનારની દલીલ હતી કે નવા કાયદામાં અસ્પષ્ટ શરતો છે જે વિવાહનાં મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
મહત્વનું છે કે ગુજરાતમાં લવજેહાદનાં કાયદાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદામાં હાઈકોર્ટ દ્વારા કેટલીક કલમો પર રોક લગાવવામાં આવી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજ્યમાં આંતરધર્મિય લગ્નનાં કિસ્સાઓને લઈને કાયદો અમલમાં મૂક્યો હતો જેને લઈને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું હતું.
કઈ કલમો પર લાગી રોક?
ગુજરાત હાઈકોર્ટે લબ જેહાદ મામલે કલમોનું અવલોકન કર્યા બાદ કેટલીક કલમો પર મનાઈ એટલે કે સ્ટેનો હુકમ આપ્યો છે. હાઈકોર્ટે કલમ 3, 4, 5, 6માં લગ્નની બાબતે થયેલા સુધારા પર સ્ટે લગાવ્યો છે.
શું કહ્યું હાઇકોર્ટે
પોતાના હુકમમાં હાઇકોર્ટે આદેશ આપ્યા છે કે આંતરધર્મિય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધારે FIR થઈ શકશે નહીં અને બળજબરી કે દબાણથી લગ્નનાં આરોપોમાં જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી FIR નહીં થઈ શકે.
ગયા સત્રમાં પાસ થયું હતું બીલ
કોર્ટે કહ્યું કે આંતરધર્મિય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધારે FIR થશે નહીં. બળજબરી કે દબાણથી લગ્ન થયાનું પુરવાર કર્યા સિવાય FIR પણ ન થઈ શકે. નોંધનીય છે કે ધર્મ સ્વતંત્રતા 2003ના કાયદામાં લગ્ન બાબતે કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને ગયા સત્રમાં બિલ પાસ કરી દેવામાં આવ્યો હતો. જેમાં આંતરધર્મિય લગ્નના કિસ્સામાં છેતરપિંડી બાબતે સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે.