કોરોનાના કહેર વચ્ચે દેશમાં સ્વાર્થી અને સંવેદનહીન તત્વો પણ ઉઘાડા થયા હતા. કોઈ જગ્યાએ જરૂરિયાતની દવાઓનું બ્લેક માર્કેટિંગ જોવા મળ્યું હતું તો હોસ્પિટલમાં બેડ માટે લાંચના બનાવો પણ સામે આવ્યા હતા. આ બધા વચ્ચે ઓડિશાના ક્યોંઝાર જિલ્લા ખાતેથી માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે.
ક્યોંઝાર ખાતે એક મહિલાનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયા બાદ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. મહિલાના દીકરાએ અંતિમ વખત માતાના ચહેરાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સ્મશાન ઘાટ પર તૈનાત એક કર્મચારીએ આ માટે 5,000 રૂપિયાની માંગણી કરી હતી.
ઘટનાની વિગતો પ્રમાણે ક્યોંઝાર જિલ્લાના કૃષ્ણાપુર ગામની મહિલા કોરોનાથી સંક્રમિત થઈ ત્યાર બાદ તેને જિલ્લા પ્રશાસન દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના મૃત્યુ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે તેના મૃતદેહની સોંપણી કરી હતી અને તેને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.
મૃતદેહનો ચહેરો બતાવવા માટે લાંચ માંગવાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્મશાનનો કર્મચારી એમ કહેતા સંભળાય છે કે, ‘જો તું 5,000 રૂપિયા આપીશ તો જ ચહેરો જોવા દઈશ નહીં તો જે રીતે પીપીઈ કીટમાં મૃતદેહ પેક મળ્યો છે તે જ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’
લાંચ માંગનારાને જ્યારે ખબર પડી કે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે તો તેણે આ અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં મૃતકના દીકરાએ કહ્યું હતું કે, જો મારે મારી મૃત માતાનો ચહેરો જોવા 5,000 રૂપિયા આપવા પડતા હોય તો હું તેને રેકોર્ડ પણ કરીશ અને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરીશ. પછી ભલે મારે તે માટે જેલમાં કેમ ન જવું પડે.