Sun. Dec 22nd, 2024

કાશ્મીર: લાલચ આપી બે શીખ યુવતીઓનું ધર્માંતરણ, લવ જેહાદની શંકા

શ્રીનગર : ઉત્તર પ્રદેશમાં એક હજાર લોકોના ધર્માંતરણનો મામલો સામે આવ્યો હતો ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં બે શીખ યુવતીઓના ધર્માંતરણ અને લવ જેહાદના મામલે ભારે હોબાળો મચી ગયો છે. શીખ સમુદાયના લોકોએ કાશ્મીરથી લઇને દિલ્હી સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા.

તેઓએ આરોપ લગાવ્યો હતો કે કાશ્મીરમાં અવારનવાર ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. સાથે અપહરણની ઘટનાઓ પણ વધવા લાગી છે.  શનિવારે સામે આવેલા રિપોર્ટ બાદ દિલ્હી શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટી (જીએસપીસી)ના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસા કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને ત્યાં વિશાળ રેલી કાઢી હતી.

શીખોએ હિંદુ સમુદાયને પણ આ સમગ્ર મામલે અવાજ ઉઠાવવા માટેની અપીલ કરી છે. કાશ્મીરમાં બડગામ અને રાજધાની શ્રીનગરના મહજૂર નગર વિસ્તારમાં અલગ અલગ શીખ યુવતીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું. આરોપ છે કે બડગામની 18 વર્ષીય યુવતીને ફોસલાવીને ધર્માંતરણ કરાવાયુ હતું.

બડગામના ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ સંતપાલસિંહે કહ્યું હતું કે 18 વર્ષની શીખ યુવતીને લાલચ આપીને ફસાવવામાં આવી હતી. અને બાદમાં તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હતું. આ યુવતીની માનસીક સિૃથતિ ઠીક નથી. જ્યારે શ્રીનગરના મહજૂર નગર વિસ્તારની 22 વર્ષીય શીખ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું.

એક મિત્રના લગ્ન સમારોહમાં આ યુવતી ગઇ હતી જ્યાંથી તે બાદમાં ગાયબ થઇ ગઇ હોવાનો આરોપ છે. પોલીસે હાલ આ બન્ને યુવતીઓના પરિવારજનોના દાવાઓના આધારે ફરિયાદ દાખલ કરી છે અને યુવતીની શોધખોળ શરૂ કરી દીધી છે. સાથે યુવતીઓના નિવેદનો પણ હજુસુધી સામે નથી આવ્યા. આ સમગ્ર મામલે લવ જેહાદ એંગલથી પણ તપાસ કરવામા આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights