બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર છેલ્લા કેટલાક દિવસો પહેલા હુમલો થયો હતો. ઈસ્કોન અને અન્ય સંસ્થાઓના મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી સાથે જ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી હતી. દુર્ગાદેવીના પૂજા પંડાલ સળગાવામાં આવ્યા હતા તેમજ કટ્ટરપંથી ટોળાએ તેમના હુમલા દરમ્યાન ઘણા લોકોને મારી નાખ્યા હતા, જેમાં નૌકાલીમાં ઈસ્કોનના પ્રાંથ ચંદ્રદાસ અને જતન ચંદ્ર સાહાનો સમાવેશ થાય છે.
હરેકૃષ્ણ મુવમેન્ટ દ્વારા બાંગ્લાદેશમાં હાનિ પહોંચાડવામાં આવેલા લધુમતીઓ સાથે એક્તા વ્યક્ત કરવા અર્થે અમદાવાદમાં સોલા બી.આર.ટી.એસ.થી સાયન્સસિટી સુધી શાંતિપૂર્ણ કીર્તન પ્રયાણનું આયોજન કરાયું હતુ. મંદિરના મિશનરીઓ, હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદ સંસ્થાના સભ્યો અને અન્ય જાગૃત નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હરેકૃષ્ણ મુવમેન્ટ અમદાવાદના પ્રમુખ જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતુ કે, બાંગ્લાદેશમાં ઈસ્કોનના ભક્તો, હિન્દુઓ અને લઘુમતીઓ પર ઉશ્કેરાટથી થયેલા હુમલાઓ પ્રત્યે અમે અમારી પીડા અને દુઃખ વ્યકત કરીએ છીએ. અમે તેઓના સમર્થન અને એકતામાં, એક થઈને ખડે પગે ઉભા છીએ અને તેમની સુરક્ષા અને સુખાકારી અર્થે પ્રાર્થના કરીએ છીએ.
આ ઉપરાંત હરે કૃષ્ણ મંદિરના શ્યામ ચરણ દાસે કહ્યું હતું કે, અમે બાંગ્લાદેશની સરકારને નમ્ર વિંનતી કરીએ છીએ કે ઝડપી અસરગ્રસ્ત લઘુમતીઓનું રક્ષણ સુનિશ્વિત કરે અને ભવિષ્યમાં આવી ઘટનાને થતી રોકવા જરૂરી પગલા ભરે. અમે ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તે આપણા પાડોશી દેશો સાથે ચર્ચા કરે અને આ ક્ષેત્રમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરે.
આ લક્ષિત હુમલાઓએ હંમેશા કાયદાનું પાલન કરનારા સમુદાયોની માનવતાની સંયુક્ત ચેતનાને હચમચાવી દીધી છે. આ સંવેદનશીલ લોકો માટે રક્ષણની માંગ કરવાના ભાગરૂપે, હરેકૃષ્ણ મુવમેન્ટ દ્રારા વિશ્વભરમાં શાંતિપૂર્ણ વિરોધનું આયોજન કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અન્ય સંગઠનો પણ આ વિરોધમાં જોડાયા હતા. વિરોધ કરી રહેલા ભક્તોએ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની તાજેતરની હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ કરી હતી.