કોરોનાના હાહાકાર વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન તો ચાલી જ રહ્યુ છે. સરકારના નવા કાયદાઓ સામે ખેડૂતો આંદોલન ખતમ કરવાના મૂડમાં નથી. દિલ્હીની કુંડલી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. બીજી તરફ સિંધુ બોર્ડર પર કોરોનાના કારણે બે ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. આ પૈકીનો એક પટિયાલા અને બીજો લુધિયાણાનો રહેવાસી હતો.
બીજી તરફ ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે, સરકાર જાણી જોઈને મોતને ભેટનારા ખેડૂતોને કોરોના થયો હોવાનુ દર્શાવી રહી છે. સરકાર ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ સોનીપત સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગનુ કહેવુ છે કે, બંને ખેડૂતોનો કોરોના ટેસ્ટ પોલીસના કહેવા પર કરવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, પટિયાલાના બલબીર નામના ખેડૂતોને કેટલાક દિવસોથી તાવ આવી રહ્યો હતો. તેનામાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા હતા અને આંદોલનના સ્થળે કેટલાક ખેડૂતો એવા છે જેમને તાવ આવી રહ્યો છે પણ તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા નથી.
આંદોલનના સ્થળે જે હોસ્પિટલ બનાવાઈ રહી છે તેમાં તાવ આવ્યો હોય તેવા દર્દીઓ રોજ આવી રહ્યા છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન ચાલી રહ્યુ છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ખેડૂત નેતાઓ અવાર નવાર એલાન કરી ચુક્યા છે કે, આંદોલન તો ચાલુ જ રહેશે.