Sun. Sep 8th, 2024

હવે ખેડૂતોને આ ભાવથી મળશે ખાતર,કેન્દ્રએ DAP પર વધારી એટલા ટકા સબસિડી

કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોન હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોની કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીને પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવવાનો નિર્ણય લીધો છે. એક બોરી દીઠ સબસિડીની રકમ કદી એક વખતમાં આટલી નથી વધારવામાં આવી.

ગત વર્ષે ડીએપીની વાસ્તવિક કિંમત 1,700 રૂપિયા પ્રતિ બોરી હતી જેમાં કેન્દ્ર બોરી દીઠ 500 રૂપિયા સબસિડી આપી રહ્યું હતું. આ કારણે કંપની ખેડૂતોને 1,200 રૂપિયા પ્રતિ બોરીના હિસાબથી ખાતર વેચી રહી હતી. હાલ ડીએપીમાં વપરાતા ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં 60થી 70 ટકાનો વધારો થયો છે.

Related Post

Verified by MonsterInsights