Fri. Oct 18th, 2024

GOOD NEWS : કોરોનાકાળમાં દેશના વિદેશી હૂંડિયામણમાં જંગી વધારો, આશરે 150 અબજ ડોલરનો ઉમેરો થયો

GOOD NEWS : RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)ના વડા શક્તિકાંત દાસે શુક્રવારે એક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત જંગી મૂડી રોકાણને પગલે આગામી સમયમાં ભારતનું વિદેશી હૂંડિયામણ વિક્રમજનક સપાટી પર પહોંચ્યું છે. વિદેશ હુંડિયામણ 600 અબજ ડોલરની સપાટીને પાર પહોંચી ગયું છે.

28મી મેના રોજ મધ્યસ્થ બેન્ક દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ તથા કરન્સી એસેટ્સમાં તીવ્ર વધારો નોંધાયો હતો. જેના લીધે દેશનું વિદેશી હૂંડિયામણ 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર પહોંચ્યું છે. નોંધનીય છે કે કોરોનાકાળમાં પણ વિદેશી હૂંડિયામણમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર,2019માં ભારતનું વિદેશી હૂંડિયામણ 451 અબજ ડોલર હતું,જે આજે 600 અબજ ડોલરની સપાટીએ છે. એટલે કે કોરોના કાળમાં 150 અબજ ડોલરનો ઉમેરો થયો છે.

છેલ્લા 7 વર્ષમાં હૂંડિયામણ 312 થી 600 અબજ ડોલર પહોંચ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશમાં વિદેશી હૂંડિયામણ લગભગ બમણું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારે મે 2014માં દેશમાં વિદેશી હૂંડિયામણ 312.38 અબજ ડોલર હતું, જે અત્યારના સમયમાં વધીને 600 અબજ ડોલરને પાર થઈ ગયું છે. મોદી સરકારે બીજા કાર્યકાળમાં પણ 2 વર્ષ પૂરા કર્યાં છે. અને 2 વર્ષ દરમિયાન દેશમાં વિદેશી હૂંડિયામણ આશરે 179 અબજ ડોલર વધ્યું છે. મે,2019ના અંતમાં દેશમાં હૂંડિયામણનું પ્રમાણ 421.86 અબજ ડોલર હતું.

વર્તમાન સમયમાં ભારત એક વર્ષ સુધી તેના ઈમ્પોર્ટ બિલની ચુકવણી કરી શકે એટલી મજબૂત આર્થિક સ્થિતિમાં છે. સારા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની અનામતો હોવાથી દેશ-વિદેશ વેપારમાં ભાગીદારીને આકર્ષિત કરી શકે છે. અને વ્યાપારીક ભાગીદારી પ્રત્યે વધારે વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. તેને લીધે દેશમાં વધારે વિદેશી રોકાણને પ્રોત્સાહન મળતું રહે છે.

નોંધનીય છેકે આ પહેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. અને તે COVID-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહી છે. ગોયલે જણાવ્યું છે કે, કોવિડ-19ના ગાળા દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ એફડીઆઈ રહી છે. વિદેશી વેપાર અંગે બોલતા તેમણે કહ્યું હતું કે એપ્રિલ 2021 માં નિકાસએ COVID-19 પહેલાના આંકડાને પાર કરી દીધા છે. મે 2021 દરમિયાન પણ, જ્યારે કોરોનાનાં કેસા હતા, ત્યારે દેશમાંથી નિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો.

Related Post

Verified by MonsterInsights