અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓએ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં લખ્યુ છે કે જો અહીંયા અભ્યાસ કરવો હોય તો વિદ્યાર્થીઓએ WHO તરફથી એપ્રુવ થયેલી કોરોના વેક્સિન લેવી પડશે.
અમેરીકામાં ભણવા જતા વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા આવીને ઉભી છે. તેમાં ખાસ કરીને ભારત અને રશિયાના વિદ્યાર્થીઓ સામેલ છે. અમેરીકાની કેટલીક યુનિવર્સિટીઓએ કોવેક્સિન અને સ્પુટનીક-v લીધેલા વિદ્યાર્થીઓને ફરીથી વેક્સિન લેવાના નિર્દેશ કર્યા છે. કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ કોવેક્સિનના ડોઝ લીધા છે, પરંતુ ભારત બાયોટેકની આ વેક્સિનને હજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી (WHO) મંજૂરી નથી મળી.
તમને જણાવી દઇએ કે અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓએ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં લખ્યુ છે કે જો અહીંયા અભ્યાસ કરવો હોય તો વિદ્યાર્થીઓએ WHO તરફથી એપ્રુવ થયેલી કોરોના વેક્સિન લેવી પડશે અને તેનું સર્ટીફિકેટ પણ જમા કરાવવું પડશે.
ભારતમાં 12માં ધોરણના કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જલદીથી વેક્સિન લઈ લીધી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓને વિદેશમાં ભણવા જવું છે તેવા વિદ્યાર્થીઓએ પણ વેક્સિન લઈ લીધી, પરંતુ તેમને પાછળથી ખબર પડી કે તેમને કોવેક્સિન લગાવવામાં આવી છે, પરંતુ WHO તરફથી હજી તેને મંજૂરી મળી નથી.
WHOની લિસ્ટમાં હમણાં સુધી 8 વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેમાં અમેરીકાની ત્રણ વેક્સિન ફાઈઝર-બાયોએનટેક, મૉર્ડના અને જૉનસન એન્ડ જૉન્સન સિવાય કોવિશિલ્ડ અને ચીનની સાઈનૌવેક સામેલ છે. જે પણ વિદ્યાર્થીઓએ આમાંથી કોઈ વેક્સિન લીધી છે તેમને જ અમેરીકામાં એન્ટ્રી મળશે.
જે લોકોએ કોવેક્સિન અથવા તો સ્પુટનિક-V લીધી છે તેમણે અમેરીકા પહોંચ્યા બાદ ફરીથી એપ્રુવ્ડ વેક્સિન લેવી પડશે. હવે વિદ્યાર્થીઓમાં આ વાતને લઈને ચિંતા છે કે બીજી વાર વેક્સિન લેવી કેટલી સેફ હશે?
તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં અમેરીકામાં 400થી વધુ કોલેજ અને યુનિવર્સિટીમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે તેવામાં ભારત, રશિયા અને એશિયાના કેટલાક દેશોના વિદ્યાર્થીઓ માટે કઈ વેક્સિન લેવી તેને લઈને અસમંજસ છે.