Sun. Dec 22nd, 2024

કોરોનાથી થયેલા મૃત્યુનું વળતર આપવું જ પડશે,SCનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો નિર્ણય સંભળાવતા નિર્દેશ આપ્યો છે કે, જેમના મૃત્યુ કોરોનાના કારણે થયા છે તેમના પરિવારને સરકાર વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકારે પોતાને જ નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યું હતું કે, કોવિડના કારણે થયેલા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે NDMAને કહ્યું હતું કે, એક એવી સિસ્ટમ બનાવવામાં આવે જેથી લઘુત્તમ વળતર આપી શકાય.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ કોવિડ સાથે સંકળાયેલા ડેથ સર્ટિફિકેટ જાહેર કરે, જે સર્ટિફિકેટ પહેલા જાહેર થઈ ગયા છે તેમાં સુધારા કરવામાં આવે. આદેશની સુનાવણી સાથે સુપ્રીમ કોર્ટે NDMAના અધિકારીઓને ફટકાર પણ લગાવી હતી.

આ કેસમાં અનેક અરજીકર્તાઓએ વિનંતી કરી હતી કે, જેઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત 4 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. તે સિવાય અરજીમાં કોવિડ ડેથ સર્ટિફિકેટને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોનો જવાબ માગ્યો હતો.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામુ આપ્યું હતું તેમાં સરકારે આવું કરવામાં અસમર્થતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આવું કરવું સંભવ નથી. તેના બદલે સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. કેન્દ્ર સરકારે એવી જાણકારી પણ આપી હતી કે, 4 લાખ રૂપિયાનું વળતર કોઈ હોનારતમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારજનોને આપવામાં આવે છે પરંતુ કોઈ મહામારી સમયે આવું ન કરી શકાય.

Related Post

Verified by MonsterInsights