Wed. Jan 15th, 2025

BIG NEWS: હવે રાજ્યના 8 મહાનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ, વેપારીઓ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લઈ શકશે, ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે

કોરોના મહામારીનેને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં રાજ્ય સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરી કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયુનો અમલ કરાશે.

અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આ રાત્રિ કર્ફ્યૂ 10 જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી 20 જુલાઇ-2021ના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

વેપારીઓ-કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી પડશે

ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

વિજય રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦9:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.

રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦9:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.

જિમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.
જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦9:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.

લગ્ન પ્રસંગમાં 150 વ્યક્તિની છૂટ

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધિ માટે 40 વ્યક્તિની મંજૂરી

અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

કોચિંગ સેન્ટરો અને ક્લાસિસ ખોલી શકાશે

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીિગ/ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 % વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

વાંચનાલયો 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ

​​​​​​​પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્‍જર કેપેસિટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.

Related Post

Verified by MonsterInsights