વોશિંગ્ટન: વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષમાં જઈને પરત ફર્યા છે. બ્લુ ઓરિજિનના શેફર્ડ સ્પેસક્રાફ્ટમાં બેસીને કાર્મેન લાઇન પાર કરી તેઓ ધરતી પર પરત ફર્યા છે. બેઝોસની સાથે ત્રણ યાત્રીઓ ગયા હતા, જેમા સૌથી ઉંમરલાયક ૮૨ વર્ષની વેલી ફ્રેન્ક અને સૌથી નાની વયની વ્યક્તિ હોલેન્ડનો ૧૮ વર્ષનો ઓલિવર ડેમેન હતા. તેની સાથે તેમનો નાનો ભાઈ માર્ક બેઝોસ હતો. સૌપ્રથમ અંતરિક્ષ પ્રવાસી બનવાની સિદ્ધિ ભલે તેમના નામે લખાઈ ન હોય, પરંતુ તેમણે બ્લુ ઓરિજિન દ્વારા એક સફળ ગાથા રચી દીધી છે. આ સ્પેસ ફ્લાઇટે સ્પેસનો દરવાજો ખખડાવતા ૮૨ વર્ષની વેલી ફ્રાન્ક વિશ્વની સૌથી ઉંમરલાયક અને ૧૮ વર્ષનો ઓલિવર ડેમેન સૌથી નાની વયનો અવકાશયાત્રી બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ ૨૫ વર્ષના સોવિયત કોસ્મોનટ ઘેરમેન ટિટોવ અને સૌથી વધુ વયનો રેકોર્ડ ૭૭ વ્ષના જોન ગ્લેનનો હતો. બંને રેકોર્ડ આજે તૂટયા હતા.
બેઝોસ આની સાથે સ્પેસ ટ્રાવેલ કરનારા બીજા ઉદ્યોગપતિ બન્યા. આ પહેલા બ્રિટનના વ્યાપારી રિચાર્ડ બ્રેન્સન વર્જિન ગેલેટિકમાં ઉડ્ડયન કરી પરત ફર્યા હતા. જો કે તે કારમેન લાઇનની પેલે પાર ગયા ન હતા. આ લાઇન વટાવવાની સાથે પૃથ્વીની ગ્રેવિટી ખતમ થઈ જાય છે. બ્રેન્સન પાયલોટેડ રોકેટ પ્લેનમાં અંતરિક્ષમાં ગયા હતા, તેની સામે બેઝોસની કેપ્સ્યુલ સંપૂર્ણપણે ઓટોમેટેડ હતી. તેનું સંચાલન કરવા માટે ઓનબોર્ડ કોઈ સ્ટાફ જ ન હતો. આમ રોકેટ ઉપર ગયુ અને પછી કેપ્સ્યુલ તેમાથી બહાર આવી અને બેઝોસ સાથે કુલ ચાર જણા અંતરિક્ષમાંથી પરત આવ્યા તે સમગ્ર પ્રક્રિયા સ્વચાલિત (ઓટોમેટેડ) હતી. તેના સંચાલન માટે કોઈ ન હતુ. બ્લુ ઓરિજિન પૃથ્વીથી ૬૬ માઇલ (૧૦૬ કિલોમીટર) ઉપર ગયું હતું. આમ તે બ્રેન્સને ૧૧ જુલાઈએ પ્રવાસ ખેડયો તેનાથી દસ માઇલ વધારે ઉપર તે ગયું હતું.
બેઝોસ ન્યુ શેફર્ડ રોકેટમાં બેઠા પછી રોકેટ અવાજ કરતાં ત્રણ ગણી વધારે ઝડપે અંતરિક્ષ તરફ આગળ વધ્યું. તે અંતરિક્ષમાં ત્યાં સુધી આગળ વધતું રહ્યું જ્યાં સુધી તેનું મોટાભાગનું બળતણ ખતમ થઈ ન ગયું. તેના પછી કેપ્સ્યુલ રોકેટથી અલગ થઈ ગયું અને થોડો સમય ગ્રેવિટી (વજનવિહીન અવસ્થા) વગર વીતાવીને કેપ્સ્યુલ ધરતી પર પરત ફર્યુ. પછી પેરેશુટ ખૂલ્યા અને કેપ્સ્યુલ સફળતાપૂર્વક જમીન પર ઉતર્યુ. સમગ્ર ઉડાન દસ મિનિટ અને ૧૮ સેકન્ડની રહી. બેઝોસ અને તેમની સાથેના ચાર જણા પરત ફર્યા ત્યારે તેમણે ગ્રેવિટીનો છ ગણો ફોર્સ અનુભવ્યો હતો.
આજથી ૫૨ વર્ષ પહેલા આ જ તારીખે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારા પહેલા યાત્રી બન્યા હતા. ૧૬ જુલાઈએ અમેરિકાના ફ્લોરિડા પ્રાંતમાં સ્થિત જોન એફ કેનેડી અંતરિક્ષ કેન્દ્ર પરથી ઉડેલું નાસાનું અંતરિક્ષ યાન એપોલો ૧૧ ચાર દિવસની સફળ પૂરી કરી ૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ માનવીને પૃથ્વીના પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર લઈ પહોંચ્યું હતું. આ યાન ૨૧ કલાક અને ૩૧ મિનિટ સુધી ચંદ્રની સપાટી પર રહ્યું હતું.