ઉત્તરાખંડના પિથોરાગઢમાં રવિવારે મોડી રાતે ભારે વરસાદના કારણે તબાહી મચી હતી. ધારચૂલાના જુમ્મા ગામમાં જામુની તોક ખાતે આશરે 5 જેટલા અને સિરૌઉડયાર તોક ખાતે 2 રહેણાંક મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ આશરે 5 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે અને અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
જિલ્લાધિકારી ડૉ. આશીષ ચૌહાણે જણાવ્યું કે, મોડી રાતે જુમ્મા ગામમાં અતિવૃષ્ટિ થવાના કારણે 7 લોકો કાટમાળમાં દબાયા હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ રાજસ્વ, એસએસબી, પોલીસ, એસડીઆરએફ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ મોકલવામાં આવી હતી. આ દરમિયાન ગામમાંથી 2 મૃતદેહ મળી આવ્યા હતા.
ડીએમએ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ઉપરાંત રાહત સામગ્રી મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.
યેલો એલર્ટ
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના નૈનીતાલ અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપ્યું છે. હવામાન વિજ્ઞાનીઓએ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે.
રાજધાની દૂન અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.