ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે એક ભારે મોટી દુર્ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ એક મકાનમાં વિસ્ફોટ થવાના કારણે આખી ઈમારત જ ધરાશયી થઈ ગઈ હતી. આ કારણે આશરે એક ડઝન કરતા પણ વધારે લોકો ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયા હતા જેમાંથી 4 બાળકો સહિત કુલ 8 લોકોના મોત થયા છે.
દુર્ઘટના અંગે જાણ થતા જ ગામલોકોએ ભેગા થઈને કાટમાળ નીચે દટાયેલા લોકોની મદદ શરૂ કરી દીધી હતી અને તેમને બહાર કાઢીને નવાબગંજ પીએચસી મોકલી આપ્યા હતા. વિસ્ફોટની આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ટિકરીના ઠઠેર પુરવા ખાતે એક મકાનમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. આ કારણે બે માળની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે દુર્ઘટના બની હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 2 પુરૂષ, 2 મહિલા અને 4 બાળકો માર્યા ગયા છે.
જાણવા મળ્યા મુજબ જે મકાનમાં આ દુર્ઘટના બની તેના માલિક પાસે ફટાકડા બનાવવાનું લાઈસન્સ પણ હતું. આ કારણે ચોક્કસ કયા કારણથી વિસ્ફોટ થયો તેની સઘન તપાસ કરવામાં આવશે. જોકે હાલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે.